₹2,000ની નોટનું અવસાન થયું છે, અને લાશનો ઢગલો પડ્યો હોય, તેમ કોઈક જગ્યાએ લગભગ અડધી ટ્રક ભરીને આ નોટોના બંડલોનો એક મોટો ઢગલો કોઈક પ્રકારના નંબર લખેલો દેખાય છે, અને આ વિડીયો સોશિયલ મીડિયામાં આમથી તેમ અથડાઈ રહ્યો છે. લખનારાઓ જાતે જોયા વિના પૂરા આત્મવિશ્વાસ સાથે લખતા હોય છે કે ગુજરાતના ફલાણા ગામના ફલાણા મંદિરમાં આ રૂપિયા પડ્યા છે, કે પછી કોઈક લખે છે કે ચંદીગઢ કે હરિયાણાના કોઈ કોર્પોરેટ હાઉસમાં આ રૂપિયા પડ્યા છે…
એક જ વિડીયો જુદા જુદા સ્થાનનો બતાવીને એજન્ટોની તૃષ્ણાને, લાલસાને, ભૂખને ઉઘાડવા માટે એપિટાઈઝરની જેમ મોકલવામાં આવે છે, કે જલ્દી કરો… કંઈક કરો… આ પૈસા 500ની નોટમાં કન્વર્ટ કરી આપે, તેને આટલા ટકા અને તેટલા ટકા જરૂર આપી દેવામાં આવશે… અને ભિનભિન કરતી માખીઓ જેવા લાલચીઓના ઝુંડ ઇજિપ્તના પિરામિડોની નીચે છુપાયેલા ખજાના શોધવા નીકળી પડ્યા હોય, તેમ ફતેહ કરવા નીકળી પડે છે. અને આખરે તેમાં મુઠ્ઠીભર હવા અને ટ્રક ભરીને નિરાશા સિવાય બીજું કશું હાંસલ થતું નથી!!
આવું જોઈએ કે વાંચીએ છીએ, ત્યારે પાંચમા-છઠ્ઠા ધોરણમાં ભણવામાં આવતી રશિયન ચિંતક લિયો ટોલ્સટૉયની એક કથા યાદ આવે છે: જ્યારે જમીનની લાલચમાં દોડતી વ્યક્તિને સાંજ સુધીમાં પાછા ફરી જવાનું હતું, અને જેટલે દૂર સુધી દોડીને પાછો ફરે એટલી જમીન તેની પોતાની થઈ જવાની હતી…. પરંતુ ‘થોડી વધુ, થોડી વધુ’ની લાલચમાં તે ધરતી પર ફસડાઈને મરી ગયો, ત્યારે જમીન આપવા બેઠેલા રાજાએ એટલું જ કહ્યું હતું કે ‘આને માત્ર છ બાય ત્રણની જમીનની જરૂર હતી, અને તે બબ્બે હજાર વીઘા જમીન માટે દોડતો ગયો…’
એક તરફ ભારતીય ઋષિમુનિઓ ઈશ ઉપનિષદના પ્રથમ મંત્રમાં પોકાર કરે છે કે मा गृधः कस्य स्विद् धनम्। -હે મનુષ્ય, સમગ્ર વિશ્વ ઈશ્વરની અદ્ભુત ચેતનાથી વ્યાપ્ત છે. તેમણે આપેલી વિષયભોગની ચીજોને તું જરૂર ભોગવ, પણ નિયમમાં રહીને, ત્યાગ કરીને ભોગવતો રહે. હક વિનાના ધન પર મંડરાતા રહેવું, તે લાશ પર ઘૂમી રહેલા ગીધની માનસિકતા સિવાય બીજું કશું નથી…
નવાઈ તો ત્યારે લાગે છે કે પ્રજાના સેવકો કહેવાતા નેતાઓ પાસે એક એક કરોડના પડદા લગાડી શકાય તેવી ‘હેસિયત’ જોવા મળે છે! અને સો – સો કરોડના બંગલાઓ, દોઢસો કરોડના ફાર્મ હાઉસ, કે તેમના તબેલામાં ચમચમતી 50-50 લાખની ગાડીઓના ઝુંડ જોવા મળે છે…
શું તેમને કોઈ પૂછનાર નથી? અને જે તેમને પૂછે છે, તેવી ઈ.ડી. જેવી સ્વાયત્ત સંસ્થાઓ માટે આવા નેતાઓ દ્વારા પાળી પોષીને મોટા કરેલા ગુર્ગાઓ આક્ષેપોની ઝડી વરસાવે છે! આ બધું જોઈને હર્યાભર્યા વૃક્ષને ખોતરી રહેલી ઉધઈઓ સિવાય બીજું કોઈ યાદ આવતું નથી.
આની સાથે બીજી નવાઈ એ છે કે ભારતમાં હવે આવી કોઈ હાઈ પ્રોફાઈલ ‘ગંદકી’ માટે પ્રજાને કોઈ આશ્ચર્ય કે ‘રિએક્શન-એ-રોષ’ પણ જાગતો નથી!
કદાચ આપણા હાડ અને હૈયામાં ઊતરી ગયું છે કે ભ્રષ્ટાચાર, એ નેતાઓ અને મોટા માથાના ઉદ્યોગપતિઓનો જ નહીં પરંતુ નાના-મોટા હોદ્દા પર બેઠેલા અનેક સરકારી કર્મચારીઓનો પણ જન્મ સિદ્ધ અધિકાર છે!!
આપણી વાતચીતમાં ઉછળતા આ શબ્દો “કરી નાખવું, બૂચ મારવું, ઉઠમણું કરવું, ઠગી કરવી” આપણી આસપાસ રહેતી કઈ પ્રજાતિની ઓરીજનાલિટી છે?
બાદશાહ અકબરે એકવાર વૈષ્ણવ ભક્તરાજ કુંભનદાસની ગાયનકલાની પ્રશંસા સાંભળી. એમને આગ્રહપૂર્વક દિલ્હી દરબારમાં બોલાવ્યા. કુંભનદાસે ત્યાં ગાયું તો ખરું, પરંતુ કૃષ્ણ ભજન સિવાય બીજું કશું નહીં. દરબારીઓને હતું કે એકાદ બે પ્રસ્તુતિ અકબરની પ્રશંસાની પણ થશે. પરંતુ કૃષ્ણપ્રેમમાં મગ્ન આ ભક્તને જ્યારે અકબરે સોના-ચાંદી ભરેલા થાળ ભેટમાં ધર્યા, ત્યારે તેમણે કહેલું કે ભાઈ, બધું ઉઠાવી લે. મારે તો તિલક કરવા માટે અરીસાનીયે જરૂર પડતી નથી! વાટકીમાં પાણી ભરીને, પ્રતિબિંબ જોઈને ચાંદલો કરી લઉં છું. પણ જો તારે આપવું જ હોય તો સાંભળ, અને એટલું જ આપ… અકબરે સંમતિ દર્શાવી ત્યારે કુંભનદાસે કહ્યું: આવતજાવત પનિયાં(પગ) તૂટી,
બિસર ગયો હરિ નામ, જાકો દેખી દુઃખ ઉપજે, તાકો કરની પડી સલામ! આજ પછી તું મને આ દરબારમાં બોલાવીશ નહીં.. જે માણસને જોઈને મને અંદરથી પીડા થાય છે, તેના દરબારમાં આવીને બેસવું પડ્યું તેનું પણ મને દર્દ છે!!
દારેસલામના એરપોર્ટ પર પ્રમુખસ્વામી મહારાજ અને સાથેના સંતો પાસેના સામાનમાં રાબેતા મુજબનું કસ્ટમ ચેકિંગ થયું, ત્યારે કોઈના પણ સમાનમાંથી એક પેની પણ ન મળી, ત્યારે આશ્ચર્યથી એક ઓફિસરે કહ્યું હતું કે અનુયાયીઓના આમંત્રણ અને આદર સિવાય આ સાધુઓ પાસે અન્ય કોઈ મૂડી નથી, તે જ કદાચ દુનિયાનો આદર જીતવાનો મૂળ મંત્ર હશે!
ખુમારીના આવા શિખર પર બેઠેલા લોકોનું તેજ એટલા માટે ઝળહળતું રહે છે, કે તે અણહકના રૂપિયાની લાશ ફોલનાર ગીધ બની જતા નથી.
ઈશ્વરના સાક્ષાત્કાર સંદર્ભમાં એકવાર રામકૃષ્ણ પરમહંસ વાતો કરી રહ્યા હતા, અને સામે બેઠા હતા: બ્રાહ્મોસમાજના સ્થાપક કેશવચંદ્ર સેન. વાતચીતનો દોર પૂરો થતાં થતાં અચાનક રામકૃષ્ણે તેમને એક અણધાર્યો પ્રશ્ન પૂછ્યો: તમારી પૂંછડી ખરી પડી છે? સૌને આશ્ચર્ય થયું, ત્યારે હસીને રામકૃષ્ણ બોલ્યા કે હા, તમારી જ પૂંછડી ખરી પડી છે!
સૌ હસ્યા એટલે કેશવચંદ્ર કહે, ‘સૌ શાંત રહો, તેમના શબ્દો પાછળ કદાચ કોઈ ઊંડો અર્થ છુપાયો છે… રામકૃષ્ણ ખુલાસો કરતાં બોલ્યા કે તમે તળાવનાં નાનાં નાનાં દેડકાંઓ જોયાં છે? જ્યાં સુધી તેમને પૂંછડી હોય, ત્યાં સુધી તેમને પાણીમાં જ રહેવું પડે. પરંતુ જ્યારે પૂંછડી ખરી પડે, ત્યારે તે ઉભયજીવી બની જાય છે. પાણી અને જમીન બંને સ્થળે રહી શકે, એવી જ રીતે મનુષ્યને અજ્ઞાન, લોભ, લાલચની પૂંછડીઓ હોય છે, ત્યાં સુધી સંસાર રૂપી ખાબોચિયામાં પડી રહેવું પડે છે, પરંતુ તે પૂંછડીઓ ખરી પડે, કે તરત એ પોતાની ઇચ્છા મુજબ ઈશ્વરમાં અને સંસારમાં બંને સ્થળે સહજ ભાવે રહી શકે છે…
તો મુદ્દે વાત એ છે કે ચમચી જેટલી આવશ્યકતા પૂરી કરવા માટે દરિયાઓ ઉપર કબજો મેળવી લેવાની ઝંખના માણસને પરપીડા આપતું હિંસક પશુ બનાવી દે છે.
આમ બને તે પહેલાં પેલી પૂંછડી ખરી જાય, તેવી સ્થિતિ માટે ઈશ્વર અને ગુરુ પાસે અંતઃસાધના કરતા થઈએ તો સારું છે…
બાકી આપણી વખારના અંધકારમાં પડેલી સોનાની લગડીઓ કે નોટોની થપ્પીઓ બીજાની સેવાના પ્રકાશનું અજવાળું જોઈ શકે, તે રીતે સમય સમય પર કાઢતા રહે છે, તે લોકોની પૂંછડીઓ જલદીથી ખરી પડી હોય છે…
અને જેને તેમ થાય છે, તેમની ફકીરી મકરંદ સાંઈની આવી ખુમારીમાં દેખાય છે:
કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?
કાં ભૂલી જા મન રે ભોળા! આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું,
એમાં તે શી ખોટ?
ઉપરવાળી બેન્ક બેઠી છે, આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ..
કોઈ પૂછે: કેમ છો ? અને એમ કહી શકીએ, કે પૂંછડી ખરી પડી છે! તો જીવતર સાર્થક છે!!!
😊🌹